રાજકોટના કાલાવડ રોડ પર આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા પોશ ગણાતા કાલાવડ રોડ પર ગેમઝોન નજીક એક કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી ડિવાઈડર સાથે અથડાઈ હતી.


કાલાવડ રોડ પર અકસ્માત 

મળતી માહિતી મુજબ, કાર ચાલક પૂરઝડપે જઈ રહ્યો હતો ત્યારે અચાનક કોઈ કારણોસર ગાડી પરનો કાબૂ છૂટી ગયો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે તે રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચડી ગઈ હતી અને લોખંડની રેલિંગમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને રેલિંગના લોખંડના સળિયા કારની આરપાર નીકળી ગયા હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

સદનસીબે જાનહાનિ ટળી

આ અકસ્માતને જોતા પ્રથમ દ્રષ્ટિએ કોઈ મોટી જાનહાનિ થઈ હોય તેવું લાગતું હતું, પરંતુ સદનસીબે કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે. એરબેગ્સ ખૂલી જવાને કારણે અથવા અન્ય સુરક્ષાના કારણોસર કોઈને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી. અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માતને કારણે કાલાવડ રોડ જેવા વ્યસ્ત માર્ગ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે હળવો કરાવ્યો હતો. પોલીસે અકસ્માત અંગેની નોંધ કરી કારને ક્રેઈન મારફતે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Dwarka: જામ ખંભાળીયાના રામનગરમાં લોહીયાળ ખેલ, પ્રેમ પ્રકરણમાં 25 વર્ષીય યુવકની નિર્મમ હત્યા




  • Follow us on: