રાજકોટ શહેરમાં બદલાતા હવામાન અને મિશ્ર ઋતુના કારણે રોગચાળાએ માથું ઊંચક્યું છે.શહેરમાં શરદી, ઉધરસ, તાવ તેમજ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના કેસોમાં સતત વધારો થતાં આરોગ્ય વિભાગ દોડતો થયો છે.સ્થાનિક સત્તાધીશો દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ,શહેરમાં સામાન્ય તાવના સૌથી વધુ 711 કેસ અને શરદી ઉધરસના 635 કેસ નોંધાયા છે.જેના કારણે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.

શહેરમાં ઝાડા-ઉલટીના 305 કેસ નોંધાયા

બીજી તરફ,દૂષિત પાણી અને ખોરાકને કારણે પાણીજન્ય રોગો પણ વકર્યા છે.શહેરમાં ઝાડા-ઉલટીના 305 કેસ નોંધાયા છે. જ્યારે ટાઈફોઈડ અને કમળાના પણ 3-3 કેસો સામે આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.આ ઉપરાંત, મચ્છરજન્ય રોગોમાં મેલેરિયા અને ડેન્ગ્યુનો 1-1 કેસ સત્તાવાર રીતે નોંધાયો છે.રોગચાળાના આ આક્રમણને રોકવા માટે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી તેજ કરવામાં આવી છે.

ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી

પાણીજન્ય રોગો અટકાવવા માટે શહેરમાં આક્રમક ચેકિંગ હાથ ધરીને 1,917 ઘરોમાં ક્લોરિન ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ મચ્છરોનો ઉપદ્રવ ડામવા માટે 18,441 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી છે અને સંવેદનશીલ વિસ્તારોના 196 ઘરોમાં ફોગિંગ કરીને સાવચેતી વધારવામાં આવી છે. આરોગ્ય વિભાગે નાગરિકોને ઉકાળેલું પાણી પીવા અને મચ્છરોથી બચવા માટે જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે.


આ પણ વાંચોઃ Jamnagar News: બાયપાસ પાસે 'ચાચા ભતીજા' રેસ્ટોરન્ટના કિચનમાં લાગી ભીષણ આગ