રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા વ્યાપક દબાણો અને તેને હટાવવા માટે અપાયેલી નોટિસ બાદ સર્જાયેલા વિવાદ પર જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશે વહીવટી તંત્રનું વલણ સ્પષ્ટ કર્યું છે. કલેક્ટરે ભારપૂર્વક જણાવ્યું છે કે, સરકારી જમીન પર દબાણ કરનારાઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની કાયદામાં કોઈ જ જોગવાઈ નથી અને દરેક વ્યક્તિને ઘરની સામે ઘર આપવું શક્ય નથી.
હાઈકોર્ટના નિર્દેશોનું પાલન કરવામાં આવશે
જંગલેશ્વર વિસ્તારમાં આશરે 1358 જેટલા આસામીઓને ડિમોલિશન માટે નોટિસ ફટકારવામાં આવી હતી. આ મામલો હાઈકોર્ટ પહોંચતા કોર્ટે અસરગ્રસ્તોને રાહત આપતા GRT (ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ) માં અપીલ કરવા માટે મુદ્દત આપી છે.કલેક્ટરે જણાવ્યું કે, "હાઈકોર્ટે વહીવટી તંત્રને કોઈ નવી સૂચના આપી નથી, પરંતુ અસરગ્રસ્તોને અપીલ કરવાની તક આપી છે, જેનું અમે સન્માન કરીશું."ગુજરાત હાઈકોર્ટે GRTને આ અપીલોનો ફેંસલો 90 દિવસમાં કરવા આદેશ આપ્યો છે.
વૈકલ્પિક વ્યવસ્થા કેમ શક્ય નથી?
કલેક્ટર ઓમ પ્રકાશે આ મામલે કાયદાકીય ગૂંચવણ અને પેર પેચીદા પ્રશ્નો અંગે સ્પષ્ટતા કરી છે, કલેક્ટર હસ્તકની સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરનારને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની કોઈ જોગવાઈ ગુજરાત સરકારના નિયમોમાં નથી. મ્યુનિસિપલ કમિશનર હસ્તકની જમીન પરના દબાણદારોને જી.આર. (G.R.) મુજબ વૈકલ્પિક વ્યવસ્થા મળી શકે છે, પરંતુ કલેક્ટર હસ્તકની જમીન માટે આવા કોઈ નિયમો નથી. સરકારી જમીન પર મોટા પ્રમાણમાં દબાણો હોય છે. દરેક દબાણકર્તાને અન્ય જગ્યાએ જમીન કે મકાન ફાળવવું વહીવટી રીતે શક્ય નથી.
શું છે સમગ્ર વિવાદ?
ડિસેમ્બર મહિનાથી કલેક્ટર તંત્ર દ્વારા જંગલેશ્વરના ચાર ખંડ પૈકીના બે ખંડમાં રહેતા દબાણદારોને તબક્કાવાર નોટિસો આપવામાં આવી રહી છે. આ જમીન પર ગેરકાયદેસર મકાનો બનાવી લેવામાં આવ્યા છે. જોકે, તંત્રએ આસામીઓને પોતાના જરૂરી દસ્તાવેજો રજૂ કરવા માટે પૂરતો સમય પણ આપ્યો હતો.હવે, જ્યારે મામલો ટ્રિબ્યુનલમાં છે, ત્યારે 90 દિવસ સુધી વહીવટી તંત્ર આદેશની રાહ જોશે. કલેક્ટરના આ કડક વલણથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે, આગામી સમયમાં જંગલેશ્વરમાં મોટા પાયે ડિમોલિશનની કાર્યવાહી થઈ શકે છે.
આ પણ વાંચો: Ahmedabad: રખિયાલમાં પત્ની પ્રેમી સાથે ભાગી જતાં પતિનો પિત્તો ગયો, પ્રેમીના બનેવી પર તલવારના ઘા ઝીંક્યા