રાજકોટ મહાનગરપાલિકા (RMC) સંચાલિત સીટી બસ સેવા ફરી એકવાર વિવાદોના વંટોળમાં ફસાઈ છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ મુસાફરોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઇલેક્ટ્રિક સીટી બસમાં હેન્ડબ્રેક લાગેલી હોવા છતાં પણ બસ આસાનીથી રસ્તા પર દોડી રહી છે.

વીડિયો બસના ડ્રાઈવર દ્વારા જ બનાવવામાં આવ્યો

ચોંકાવનારી વાત એ છે કે આ વીડિયો બસના ડ્રાઈવર દ્વારા જ બનાવવામાં આવ્યો છે. ડ્રાઈવરે તંત્રની બેદરકારીને ખુલ્લી પાડવા માટે આ વીડિયો વાયરલ કર્યો હોવાનું મનાય છે. વીડિયોમાં તે બતાવે છે કે બ્રેક સિસ્ટમ સદંતર નિષ્ફળ ગઈ છે, જે કોઈ પણ ક્ષણે મોટા અકસ્માતને નિમંત્રણ આપી શકે છે.

ભૂતકાળની દુર્ઘટનામાંથી કોઈ પાઠ નહીં

યાદ રહે કે થોડા સમય પહેલા જ રાજકોટના ઇન્દિરા સર્કલ પાસે આવી જ એક ટેકનિકલ ખામીને કારણે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બ્રેક ફેલ થવાને કારણે સર્જાયેલા એ અકસ્માતમાં 5 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આટલી મોટી હોનારત બાદ એવી અપેક્ષા હતી કે RMC અને બસ કોન્ટ્રાક્ટર દ્વારા તમામ બસોનું ફિટનેસ ચેકિંગ કરવામાં આવશે, પરંતુ આ વાયરલ વીડિયો સાબિત કરે છે કે સ્થિતિ હજુ પણ 'જૈસે થે' જ છે.


આ પણ વાંચો: Surat જિલ્લા પંચાયતનો આકરો નિર્ણય, 18 વર્ષથી સેવા આપતા 50 થી વધુ કર્મચારીઓને એકાએક છૂટા કરાયા