રાજકોટવાસીઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. ધોમધખતા ઉનાળામાં દર વર્ષે સર્જાતી પાણીની તંગીને આ વર્ષે પહોંચી વળવા માટે તંત્રએ આગોતરું આયોજન પૂર્ણ કરી લીધું છે. સૌની (SAUNI) યોજના મારફત રાજકોટના મુખ્ય જળસ્ત્રોત ગણાતા આજી-1 અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

ઉનાળો હેમખેમ પસાર થશે

રાજકોટના વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, માર્ચ, એપ્રિલ અને મે મહિનાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બંને ડેમોમાં પાણીનો જથ્થો છોડવામાં આવ્યો છે. આ આયોજન હેઠળ બંને ડેમોને 80% સુધી ભરવામાં આવશે, જેથી ઉનાળાના આકરા દિવસોમાં શહેરીજનોને પીવાના પાણી માટે મુશ્કેલી ન પડે.

પાણી કાપની કોઈ શક્યતા નથી

સામાન્ય રીતે ઉનાળાના અંતિમ તબક્કામાં પાણીના સ્તર ઘટતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી કાપ ઝીંકવામાં આવતો હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસા સુધી પાણી ઉપલબ્ધ રહે તે મુજબનું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પરિણામે, ઉનાળામાં પાણી કાપ આવશે નહીં અને શહેરીજનોને રાબેતા મુજબ પૂરતો પાણી પુરવઠો મળતો રહેશે.

આ પણ વાંચો: Vadodara: નવાયાર્ડમાં મેડિકલ વેસ્ટનો જાહેરમાં નિકાલ, દર્દીએ ફેંક્યું હશે કહી અધિકારીએ હાથ ખંખેર્યા