વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ અર્બન હેલ્થ સેન્ટર (UHC) ની ગંભીર લાપરવાહી સામે આવી છે. આરોગ્ય કેન્દ્રની બિલકુલ બાજુમાં જ સરકારી દવાઓનો જથ્થો અને જોખમી મેડિકલ વેસ્ટ ખુલ્લામાં ફેંકાયેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ મામલે જ્યારે જવાબદાર મેડિકલ ઓફિસરને સવાલ કરવામાં આવ્યા, ત્યારે તેમણે સંતોષકારક જવાબ આપવાને બદલે ગોળ-ગોળ જવાબો આપી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો.
આરોગ્ય કેન્દ્રની બહાર દવાનો ઢગલો
નવાયાર્ડ અર્બન હેલ્થ સેન્ટરની બહાર આજે સવારે સ્થાનિકોએ દવાનો મોટો જથ્થો અને વપરાયેલ મેડિકલ વેસ્ટ જાહેરમાં પડેલો જોયો હતો. રહેણાંક વિસ્તારની નજીક આ પ્રકારે તબીબી કચરો હોવાથી રોગચાળો ફેલાવાની અને પશુઓ કે બાળકો માટે જોખમ ઊભું થવાની ભીતિને પગલે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
