રાજ્ય સરકાર દ્વારા કુપોષિત બાળકોને પોષણયુક્ત કરવા માટે લાખોના ખર્ચે યોજનાઓ ચલાવવામાં આવે છે, પરંતુ રાજકોટ શહેરમાં આ દાવાઓ પોકળ સાબિત થઈ રહ્યા છે. રાજકોટની આંગણવાડીઓમાં બાળકોને આપવામાં આવતા ભોજન અને નાસ્તામાં મોટાપાયે ગેરરીતિ અને અનિયમિતતા સામે આવી છે.
બાળકોના ભોજન અને નાસ્તામાં ગેરરીતિ
રાજકોટ શહેરમાં કુલ 365 આંગણવાડીઓ આવેલી છે, જેમાં અંદાજે 19,000 થી વધુ બાળકો નોંધાયેલા છે. નિયમ મુજબ આ બાળકોને પૌષ્ટિક નાસ્તો અને ભોજન આપવાનું હોય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આંગણવાડીમાં મેનુ કરતા સાવ વિરુદ્ધ અને અપૂરતું ભોજન પહોંચાડવામાં આવે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, છેલ્લા ત્રણ વર્ષથી આંગણવાડીઓમાં પૌષ્ટિક ગણાતી 'સુખડી'નું વિતરણ જ કરવામાં આવ્યું નથી.










