રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મચ્છરોનો ઉપદ્રવ અસહ્ય રીતે વધી રહ્યો છે, ખાસ કરીને નદી કાંઠાના વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. મચ્છરજન્ય રોગચાળો વકરતા રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે.


નદી કાંઠાના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ

તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા એક વર્ષમાં શહેરમાં તાવના 5,034 અને શરદી-ઉધરસના 6,647 જેટલા દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત, ડેન્ગ્યુના કુલ 6 કેસ નોંધાયા છે, જેમાંથી 2 કેસ તો તાજેતરમાં જ સામે આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.

938 ઘરોમાં ફોગિંગની કામગીરી પૂર્ણ 

મચ્છરોના સંવર્ધનને અટકાવવા માટે મનપાની ટીમોએ અત્યાર સુધીમાં 938 ઘરોમાં ફોગિંગની કામગીરી પૂર્ણ કરી છે. તપાસ દરમિયાન જ્યાં મચ્છરોના લાર્વા (પોરા) મળી આવ્યા હતા તેવા 123 રહેણાંક મકાનો અને 23 કોમર્શિયલ એકમોને કાયદેસરની નોટિસ ફટકારી દંડની વસૂલાત કરવામાં આવી છે.

નદીકાંઠાના વિસ્તારો ટાર્ગેટ પર

શહેરના નદી કાંઠાના વિસ્તારોમાં મચ્છરોનો ઉપદ્રવ સૌથી વધુ હોવાનું સામે આવ્યું છે. અહીં ગંદકી અને ભરાયેલા પાણીના કારણે મચ્છરોનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે, જેના કારણે મનપાએ આ વિસ્તારોમાં વિશેષ સફાઈ ઝુંબેશ અને જંતુનાશક દવાઓના છંટકાવની કામગીરી તેજ બનાવી છે.

આ પણ વાંચો: Navsari: વાંસદાના સુખાબારીમાં હાઈટેન્શન લાઈન સર્વે સામે ગ્રામજનોનો હલ્લાબોલ, પોલીસ બંદોબસ્ત વચ્ચે ઉગ્ર બોલાચાલી

  • Follow us on: