રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં નકલી ડોક્ટરો સામે ચાલી રહેલી ઝુંબેશ અંતર્ગત SOGની ટીમે પાટણવાવ તાલુકાના વાડોદર ગામે દરોડો પાડી એક બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વગર એલોપેથીક સારવાર આપી નિર્દોષ દર્દીઓના જીવ જોખમમાં મૂકનાર શખ્સ હવે પોલીસની ગિરફતમાં છે.
વાડોદર ગામે બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો
મળતી માહિતી મુજબ, વાડોદર ગામે બસ સ્ટેન્ડ પાસે રહેતો સુનિલ કુમાર ઉર્ફે મેહુલ ભટ્ટી નામનો શખ્સ છેલ્લા કેટલાક સમયથી ગામમાં 'ધન્વંતરી' નામની ક્લિનિક ચલાવતો હતો. રાજકોટ ગ્રામ્ય SOGને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે આ શખ્સ પાસે કોઈ ડિગ્રી ન હોવા છતાં તે દર્દીઓને એલોપેથીક દવાઓ, ઈન્જેક્શન અને બાટલા ચઢાવવાની પ્રેક્ટિસ કરે છે.
મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત
SOGની ટીમે બાતમીવાળા સ્થળે દરોડો પાડી તલાશી લેતા, ત્યાંથી અલગ-અલગ પ્રકારની એલોપેથીક દવાઓ, સીરપ, ઈન્જેક્શન અને મેડિકલ સાધનો મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ ₹1,08,848 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી પાસે પ્રેક્ટિસ કરવા માટેનું કોઈ માન્ય સર્ટિફિકેટ કે લાયસન્સ મળી આવ્યું નથી.
પોલીસ કાર્યવાહી
આ મામલે રાજકોટ ગ્રામ્ય SOG એ આરોપી સુનિલ ઉર્ફે મેહુલ ભટ્ટીને અટકમાં લઈ તેની વિરુદ્ધ પાટણવાવ પોલીસ સ્ટેશનમાં મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. હાલમાં પોલીસ એ તપાસ કરી રહી છે કે આ શખ્સ કેટલા સમયથી અહીં પ્રેક્ટિસ કરતો હતો અને આ દવાઓનો જથ્થો તે ક્યાંથી મેળવતો હતો.
આ પણ વાંચો:Vadodara: ST ડેપો પર 'માનવ મહેરામણ', હોળી-ધુળેટીના પર્વે વતનની વાટ પકડવા મુસાફરોની લાંબી લાઈનો