રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડૉક્ટરો વિરુદ્ધ પોલીસે અભિયાન તેજ કર્યું છે. રાજકોટ રૂરલ SOGની ટીમે વિંછીયા તાલુકાના ગૌરેયા ગામે વર્ષોથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા એક બોગસ ડૉક્ટરને રંગેહાથ ઝડપી પાડી જેલભેગો કર્યો છે.

ભાડાના મકાનમાં ચાલતું હતું નકલી ક્લિનિક

પ્રાપ્ત વિગતો અનુસાર, ગૌરેયા ગામના બસ સ્ટેન્ડ પાછળ છેલ્લા ઘણા વર્ષોથી ધર્મેશ હરજીભાઈ ડેરવાળિયા નામનો યુવક ભાડાનું મકાન રાખીને મેડિકલ પ્રેક્ટિસ કરતો હતો. ચોક્કસ બાતમીના આધારે SOGની ટીમે જ્યારે દરોડો પાડ્યો ત્યારે બહાર આવ્યું કે ધર્મેશ પાસે ડૉક્ટર હોવાની કોઈ પણ કાયદેસરની ડિગ્રી કે પ્રમાણપત્ર નથી. તેમ છતાં તે એલોપેથિક દવાઓ, સિરીંજ અને નીડલનો ઉપયોગ કરી ગ્રામીણ જનતાના જીવ જોખમમાં મૂકી રહ્યો હતો.

24 હજારનો મેડિકલ મુદ્દામાલ જપ્ત

પોલીસ કાર્યવાહી દરમિયાન ક્લિનિકમાંથી અંદાજે રૂપિયા 24,000 ની કિંમતની એલોપેથિક દવાઓનો જથ્થો અને મેડિકલ પ્રેક્ટિસ માટેના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. આરોપી ધર્મેશ ડેરવાળિયા કોઈ પણ લાયકાત વગર દર્દીઓને હાઈ-ડોઝ દવાઓ અને ઈન્જેક્શન આપતો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

આ પણ વાંચો: Kutch: અંતરજાળના મંગળ વિલા સોસાયટીમાં ગેસ લીકેજથી ભીષણ આગ, બે લોકો ગંભીર રીતે દાઝ્યા