રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરના હાર્દસમા ગણાતા ત્રણ દરવાજા અને ગાંધી ચોક વિસ્તારમાં ધોળે દહાડે હિંસક હુમલાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. ઘરકંકાસને પગલે પતિ અને જેઠે ભેગા મળી પત્ની, સાસુ અને સસરા પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે ધોરાજીના મુખ્ય માર્ગ પરથી એક સ્મશાન યાત્રા પસાર થઈ રહી હતી, તે જ સમયે આ હુમલો કરવામાં આવ્યો હતો.


હુમલામાં સસરાને ઈજા થતા હોસ્પિટલ ખસેડયા

ભોગ બનનાર પત્ની અને તેના માતા-પિતા રિક્ષામાં બેસી ત્રણ દરવાજા પાસે પહોંચ્યા હતા. ત્યારે જ તેનો પતિ અને જેઠ મોટરસાયકલ પર સવાર થઈ ત્યાં આવી પહોંચ્યા હતા અને અચાનક લોખંડના પાઇપ વડે રિક્ષા પર તથા પરિવાર પર તૂટી પડ્યા હતા. આ ક્રૂર હુમલામાં પત્નીના પિતા (સસરા) ને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

હુમલાને લઈ પોલીસે તપાસ શરુ કરી

ધોરાજીના ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને પલાયન થઈ ગયેલા પતિ તથા જેઠની શોધખોળ શરૂ કરી છે. કૌટુંબિક વિખવાદને કારણે જાહેરમાં આ પ્રકારે હિંસા આચરવામાં આવતા લોકોમાં તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: