રાજકોટ શહેર અને જિલ્લામાં આજે આંગણવાડીની બહેનોએ પોતાના હક્ક અને ન્યાય માટે આક્રમક તેવર બતાવ્યા છે. લાંબા સમયથી પડતર માંગણીઓ અને ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટના ચુકાદા છતાં પગારમાં વધારો ન થતા, આજે રાજકોટ જિલ્લાભરની 2000થી વધુ આંગણવાડી બહેનો જુબેલી ચોક ખાતે એકઠી થઈ હતી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.
રાજકોટમાં આંગણવાડી બહેનોનો વિરોધ
આંદોલનકારી બહેનોના જણાવ્યા મુજબ, નામદાર હાઈકોર્ટે આંગણવાડી વર્કરોને ₹24,800 અને હેલ્પરોને ₹20,300 ચૂકવવા માટે સ્પષ્ટ આદેશ કર્યો છે. તેમ છતાં, હાલમાં વર્કરને માત્ર ₹10,000 અને હેલ્પરને ₹5,500 જેવું નજીવું વેતન ચૂકવવામાં આવી રહ્યું છે. આ આર્થિક અન્યાયને લઈને બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અચોક્કસ મુદતની હડતાલ અને માગણીઓ
આજે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે આંગણવાડીઓને તાળા મારી દેવામાં આવ્યા હતા અને બહેનોએ અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યું છે. બહેનોની મુખ્ય માંગણીઓમાં હાઈકોર્ટના આદેશ મુજબ પગાર વધારો આપવો, કામગીરી માટે સ્માર્ટ મોબાઈલ ફોન પૂરા પાડવા અને અન્ય વહીવટી પ્રશ્નોનો ઉકેલ લાવવાનો સમાવેશ થાય છે.
જુબેલી ચોકમાં વિરોધ પ્રદર્શન
રાજકોટના હાર્દ સમાન જુબેલી ચોક ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ એકઠી થતા પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. આંગણવાડી બહેનોએ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કામ પર પરત ફરશે નહીં અને આ લડત વધુ ઉગ્ર બનાવશે. આ હડતાલને કારણે આંગણવાડીના બાળકોના પોષણ અને શિક્ષણ કાર્ય પર પણ અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.
આ પણ વાંચો: Panchmahal: ભારે પવન ફૂંકાતા પાવાગઢ રોપવે સેવા સ્થગિત, પવનની ગતિ ઘટ્યા બાદ ફરી શરૂ કરાશે