શહેરમાં એક તરફ ગેસની અછત અને સંકટ જેવી સ્થિતિનો લાભ લઈને કેટલાક તત્વો કમાઈ લેવાની લ્હાયમાં લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. રાજકોટના પારડી ગામે આવેલી 'સોનુ ગેસ એજન્સી' માં પોલીસ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ સામે આવ્યું છે.

ચુલા રિપેરિંગના બહાને ખતરનાક ખેલ

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ એજન્સીમાં બહારથી 'ચુલા રિપેરિંગ' નું કામ થતું હોવાનું દર્શાવવામાં આવતું હતું, પરંતુ અંદરની બાજુએ મોટા ગેસ સિલિન્ડરમાંથી નાના બાટલાઓમાં ગેસ રિફિલિંગ કરવાનું જોખમી કામકાજ ચાલતું હતું. આ રીતે LPG સિલિન્ડરની કાળાબજારી કરીને સામાન્ય જનતા પાસેથી ઉંચા ભાવ વસૂલવામાં આવતા હતા.

116 બાટલા કબ્જે, પરપ્રાંતિયોની ધરપકડ

પોલીસે સ્થળ પરથી કુલ 116 ગેસના બાટલા જપ્ત કર્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ બે પરપ્રાંતિય શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આટલી મોટી માત્રામાં ગેસનો જથ્થો ક્યાંથી આવતો હતો અને આ કૌભાંડના તાર ક્યાં સુધી જોડાયેલા છે, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. રહેણાંક વિસ્તારની નજીક ચાલતા આવા જોખમી રિફિલિંગને કારણે મોટી દુર્ઘટના સર્જાવાની પણ ભીતિ હતી, જે પોલીસે સમયસર દરોડા પાડીને ટાળી દીધી છે.

આ પણ વાંચો: Jetpur: 150ની સ્પીડે દોડતી કાર ડિવાઈડર સાથે અથડાઈ, 20 વર્ષીય યુવાનનું કરુણ મોત