રાજકોટના જાણીતા બિઝનેસ હબ ગણાતા એસ્ટ્રોન ચોક વિસ્તારમાં આજે સવારથી જ GST વિભાગની કામગીરીને પગલે વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો છે. ટેક્સ ચોરીની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ જીએસટી (SGST) વિભાગ દ્વારા મોબાઈલના મોટા ગજાના ધંધાર્થીઓને ત્યાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા છે.
તપાસના ઘેરામાં દિગ્ગજ પેઢીઓ
આ દરોડામાં ખાસ કરીને એસ્ટ્રોન ચોકમાં આવેલી ઉમિયા મોબાઈલ અને મેહુલ ટેલિકોમ જેવી પ્રતિષ્ઠિત પેઢીઓને નિશાન બનાવવામાં આવી છે. GST વિભાગની અલગ-અલગ ટીમોએ એકસાથે આ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અધિકારીઓ દ્વારા સ્ટોક રજિસ્ટર, વેચાણના આંકડા અને બેંક ખાતાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.












