ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ સૂર્યદેવ આકરા મિજાજમાં જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ભીષણ ગરમી અને હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા પ્રથમ વખત લોકોના મોબાઈલ પર સીધું એલર્ટ મોકલીને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.

મોબાઈલ પર એલર્ટ મેસેજથી લોકોને કરાયા સાવધ

રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકોના મોબાઈલ પર આજે વહીવટી તંત્ર તરફથી હીટવેવ અંગેના ચેતવણી સંદેશાઓ મોકલવામાં આવ્યા છે. આ સંદેશામાં જણાવવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં તાપમાનમાં ધરખમ વધારો થઈ શકે છે, જેના કારણે લૂ લાગવા અને હીટ સ્ટ્રોકની સંભાવના વધી જાય છે.

બપોરે 1 થી 5 સુધી 'સ્વયંભૂ કરફ્યુ' જેવી સ્થિતિ

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ખાસ માર્ગદર્શિકા મુજબ, નાગરિકોને બપોરે 1 થી 5 વાગ્યા દરમિયાન અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન સૂર્યના કિરણો સીધા અને અત્યંત પ્રચંડ હોવાથી સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે છે. ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને સગર્ભા મહિલાઓને વિશેષ તકેદારી રાખવા જણાવાયું છે.

આરોગ્ય વિભાગની ખાસ ગાઈડલાઈન

  • પુષ્કળ પ્રમાણમાં પાણી, છાશ અને લીંબુ પાણી જેવા પ્રવાહી લેવા
  • હળવા રંગના અને સુતરાઉ કપડાં પહેરવા
  • તડકામાં નીકળતી વખતે માથું ઢાંકી રાખવું અને ચશ્માનો ઉપયોગ કરવો
  • ચક્કર કે ઉલટી જેવી સમસ્યા જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો

હોસ્પિટલોમાં પણ હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર રાખવા અને પૂરતી દવાઓનો જથ્થો ઉપલબ્ધ રાખવા આદેશ અપાયા છે.


આ પણ વાંચો - Gujarat Weather: પશ્ચિમી વિક્ષેપ ગરમીથી રાહત આપશે, બે દિવસ પછી રાજ્યમાં તાપમાન ઘટશે