સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ગુજરાત રાજ્ય હાલ ભીષણ ગરમી અને અસહ્ય ઉકળાટની લપેટમાં આવી ગયું છે.રવિવારે તાપમાનમાં વધારો થતા સૌરાષ્ટ્રના સાત શહેરમાં ગરમીનો પારો 41 ડિગ્રીને પાર નોંધાયો છે.રાજ્યમાં સતત બીજા દિવસે પણ સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 44.5 ડિગ્રી નોંધાયું છે,જ્યારે રાજકોટમાં 43.5 ડિગ્રી અને અમરેલીમાં 43.3ડિગ્રી નોંધાયું હતું. ગુજરાતમાં ગરમીનો પારો વધતા કપડાની સાથે અંગ દઝાડતા આકરા તાપથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
હવામાનની ખાસ ચેતવણી આપવામાં આવી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર,છેલ્લા 24 કલાક દરમિયાન ભુજમાં 42.6, જુનાગઢમાં 42.3, કંડલા એરપોર્ટમાં 42, ભાવનગરમાં 41.2, કેશોદ અને મહુવામાં 39, દીવ 37.5, પોરબંદરમાં 35.4, ઓખામાં 35, વેરાવળમાં 32.4 અને દ્વારકામાં 32.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.તા.18 મેના રોજ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે બફારા અને અકળામણ આપતી 'હોટ એન્ડ હ્યુમિડ' હવામાનની ખાસ ચેતવણી આપવામાં આવી છે.
