રાજકોટ શહેરમાં ઉનાળાની શરૂઆતે જ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. માર્ચ મહિનાના મધ્યમાં જ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર કરી જતાં રાજકોટવાસીઓ 'અંગ દઝાડતી' ગરમીનો અનુભવ કરી રહ્યા છે. બપોરના સમયે સૂર્યનારાયણના પ્રકોપને કારણે શહેરના રાજમાર્ગો સુમસામ જોવા મળી રહ્યા છે અને લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીના આ વધતા જતા પારાને જોતા વહીવટી તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને આગામી દિવસોમાં ગરમી હજુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા
આ પરિસ્થિતિને ગંભીરતાથી લેતા રાજકોટના આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીએ નાગરિકો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરી છે. તેમણે અપીલ કરી છે કે હીટ સ્ટ્રોકથી બચવા માટે દર કલાકે ઓછામાં ઓછું 200 ML પાણી પીવું જોઈએ. આ ઉપરાંત, ખોરાકમાં પણ ફેરફાર કરી ભરપેટ જમવાને બદલે થોડા-થોડા અંતરે હળવો નાસ્તો કે ભોજન લેવું હિતાવહ છે. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે લીંબુ શરબત, ઓરેન્જ જ્યુસ, છાશ અને અન્ય પ્રવાહીનું સેવન વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.













