રાજકોટના અત્યાધુનિક ગણાતા એસ.ટી બસ પોર્ટમાં આજે એક હ્રદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. મુસાફરોની સતત અવરજવરથી ધમધમતા આ સ્થળે એક એસ.ટી બસના ડ્રાઇવરની ઘોર લાપરવાહીના કારણે ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
બસ ડ્રાઇવરે પૂર ઝડપે બસ લીધી રિવર્સમાં
મળતી માહિતી પ્રમાણે આ ઘટના બસ પોર્ટના એન્ટ્રી ગેટ પાસે બની હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, એસ.ટી બસનો ડ્રાઇવર કોઇ પણ પ્રકારના સંકેત કે સાવચેતી રાખ્યા વગર બસને પૂર ઝડપે રિવર્સમાં લઇ રહ્યો હતો. આ દરમિયાન એન્ટ્રી ગેટ પાસે પોતાની ફરજ બજાવી રહેલા સિક્યુરિટી ગાર્ડ નરેન્દ્રભાઇ વાઘેલા કંઇ સમજે તે પહેલા જ બસની અડફેટે આવી ગયા હતા. બસ રિવર્સમાં લેતી વખતે ડ્રાઇવરે પાછળ કોઇ વ્યક્તિ છે કે નહીં તેની તપાસ કરવાની તસ્દી લીધી ન હોતી. જેના પરિણામે આ અકસ્માત સર્જાયો હતો.
સિક્યુરિટી ગાર્ડને થઇ ગંભીર ઇજા
બસની ટક્કર વાગતા જ નરેન્દ્રભાઈ જમીન પર પટકાતા આસપાસના લોકો અને અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત સુરક્ષાકર્મીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેમને તાત્કાલિક અસરથી નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.
વધતી બેદરકારી સામે રોષ
રાજકોટ બસ પોર્ટ જેવા ભીડભાડ વાળા વિસ્તારમાં બસ ચલાવતી વખતે ખાસ તકેદારી રાખવી અનિવાર્ય હોય છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવતા હવે એસ.ટી. તંત્રના ડ્રાઇવરોની તાલીમ અને શિસ્ત સામે સવાલો ઉઠી રહ્યા છે. સિક્યુરિટી ગાર્ડના પરિવારજનો અને અન્ય કર્મચારીઓમાં આ ઘટનાને પગલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ આ મામલે ડ્રાઇવર વિરુદ્ધ કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.










