રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ પોલીસ સ્ટેશનની હદમાં ગોંડલના કેશવાળા-વાસાવડ રોડ પર સગા સબંધોને લાંછન લગાડતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કૌટુંબિક વિવાદમાં સગા મામાએ પોતાના જ 13 વર્ષના માસૂમ ભાણેજની પથ્થર મારીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.


પતિ-પત્નીના ઝઘડામાં માસૂમનો ભોગ

ઘટનાની મળતી માહિતી મુજબ, પરિવારમાં પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા ઝઘડા અને તેના સમાધાન મુદ્દે છેલ્લા કેટલાક સમયથી મોટો વિવાદ ચાલી રહ્યો હતો. આ કૌટુંબિક અદાવતમાં કોઈ વાંક વગર 13 વર્ષનો નિર્દોષ બાળક નરેન્દ્ર ભોગ બન્યો હતો. હુમલાખોર મામા અરવિંદભાઈએ ક્રોધમાં ભાન ભૂલીને ભાણેજ નરેન્દ્રનો બાઈક પર પીછો કર્યો હતો.

રસ્તા પર આંતરી પથ્થરમારો કર્યો

કેશવાળા-વાસાવડ રોડ પર બાઈક પાછળ દોડીને મામાએ ભાણેજને આંતરી લીધો હતો અને તેને નીચે પાડી દીધો હતો. ત્યારબાદ ઉશ્કેરાયેલા મામા અરવિંદભાઈએ માસૂમ નરેન્દ્ર પર એક મોટો અને વજનદાર પથ્થર ફેંક્યો હતો. આ પથ્થર સીધો નરેન્દ્રના માથાના ભાગે વાગતા તે ગંભીર રીતે લોહીલુહાણ થઈને ઢળી પડ્યો હતો.

સારવાર મળે તે પહેલા જ કરૂણ મોત

ઘટનાને પગલે આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક એકઠા થઈ ગયા હતા. ગંભીર હાલતમાં લોહીલુહાણ થયેલા નરેન્દ્રને તુરંત જ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે, કમનસીબે તેને યોગ્ય સારવાર મળે તે પહેલા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ કરૂણ ઘટનાને પગલે માસૂમ બાળકના પરિવારમાં ભારે આક્રંદ છવાયો છે.

આટકોટ પોલીસે હત્યારાને ઝડપી લીધો

બનાવની જાણ થતાં જ આટકોટ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે માસૂમ નરેન્દ્રના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી, હત્યારા મામા અરવિંદભાઈ વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લીધો હતો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.


આ પણ વાંચો - Rajkot : 21મી સદીનું કલંક, પતિના મોત બાદ સાસુ-નણંદે બળજબરીથી વિધવાનું કરાવ્યું મુંડન, મિલકત હડપવા અત્યાચાર ગુજાર્યો


  • Follow us on: