રાજકોટ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ અત્યંત ગરમાયો છે, ત્યારે વોર્ડ નંબર 15માં પ્રચાર દરમિયાન ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સામસામે આવી જતાં ભારે હંગામો મચી ગયો હતો. કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠીયા અને ભાજપના ઉમેદવાર વચ્ચે કોઈ મુદ્દે તીખી તકરાર થઈ હતી. આ બોલાચાલી એટલી હદે વધી ગઈ હતી કે બંને પક્ષના કાર્યકરો પણ એકઠા થઈ ગયા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું.
તોછડી ભાષામાં એકબીજાને આપી ખુલ્લી ચેતવણી
ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે બંને ઉમેદવારોએ મર્યાદા ઓળંગી તોછડી ભાષામાં વાકયુદ્ધ શરૂ કર્યું હતું. બંને નેતાઓએ જાહેરમાં એકબીજાને "થાય તે કરી લેજે" કહીને ખુલ્લી ચેતવણી આપી હતી. આ બોલાચાલીના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે કે સત્તા મેળવવા માટે નેતાઓ કઈ હદે સંયમ ગુમાવી રહ્યા છે. લોકશાહીના પર્વમાં ઉમેદવારો વચ્ચેની આ પ્રકારની ટક્કર ટોક ઓફ ધ ટાઉન બની છે.













