રાજકોટના મંગળા રોડ પર થયેલા ફાયરિંગના કેસમાં લાંબા સમયથી ફરાર મુખ્ય સૂત્રધાર સમીર ઉર્ફે સંજલાને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે મહેસાણાના કડી ખાતેથી અત્યંત નાટકીય ઢબે ઝડપી પાડ્યો છે. પોલીસની ધરપકડથી બચવા માટે આ રીઢો ગુનેગાર સ્ત્રીઓના કપડાં (લેડીઝ ડ્રેસ) પહેરીને વેશપલટો કરતો હતો, જેથી કોઈ તેને ઓળખી ન શકે. તપાસમાં બહાર આવ્યું છે કે છેલ્લા 90 દિવસમાં તેણે પોલીસથી બચવા માટે 23 થી વધુ ઠેકાણા બદલ્યા હતા. ધરપકડ ટાળવા માટે તેણે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું પણ ટાળ્યું હતું અને લાંબો સમય ઉત્તર પ્રદેશ તેમજ બિહારના અંતરિયાળ વિસ્તારોમાં આશરો લીધો હતો.
પેંડા અને મુર્ગા ગેંગ પર પોલીસનો હથોડો
આ કેસની ગંભીરતાને જોતા પોલીસ દ્વારા ‘પેંડા ગેંગ’ અને ‘મુર્ગા ગેંગ’ વિરુદ્ધ કડક ઝુંબેશ ચલાવવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં કુલ 36 જેટલા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે સંજલો કડી વિસ્તારમાં છુપાયેલો છે, જેના આધારે વોચ ગોઠવી તેને દબોચી લેવામાં આવ્યો હતો. આ ગેંગ વોર અને સરાજાહેર ફાયરિંગની ઘટનાથી રાજકોટમાં ભયનો માહોલ ફેલાયો હતો, પરંતુ મુખ્ય સૂત્રધાર પકડાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. હવે પોલીસ આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી હથિયારો અને અન્ય સંડોવાયેલા શખ્સોની વિગતો મેળવશે.













