રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા કણકોટ રોડ પર આજે વહેલી સવારે એક ભયાનક આગની ઘટના સામે આવી છે. અહીં આવેલા 'ડ્રીમ સિટી' એપાર્ટમેન્ટના પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં પાર્કિંગમાં રહેલા વાહનો લપેટમાં આવી ગયા હતા.
20 જેટલા વાહનો સ્વાહા
આગની લપેટમાં આવતા પાર્કિંગમાં પાર્ક કરેલા અંદાજે 15 થી 20 જેટલા વાહનો (ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર) બળીને ખાખ થઈ ગયા છે. વાહનોમાં લાગેલી આગને કારણે કાળા ધુમાડાના ગોટા આકાશમાં ઉડતા દેખાયા હતા, જેના કારણે એપાર્ટમેન્ટના રહિવાસોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
વૃદ્ધાનું દિલધડક રેસ્ક્યુ
આગ લાગી ત્યારે ફ્લેટના ઉપરના માળે એક વૃદ્ધા ફસાઈ ગયા હતા. ધુમાડાના કારણે નીચે ઉતરવું મુશ્કેલ બન્યું હતું. જોકે, ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ અને સ્થાનિકોની મદદથી વૃદ્ધાને સમયસર રેસ્ક્યુ કરી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આ મિલકતની નુકસાની વચ્ચે જાનહાનિ ટળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આગનું કારણ અકબંધ
આગ લાગવા પાછળનું પ્રાથમિક કારણ હજુ સુધી જાણી શકાયું નથી. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શંકા સેવવામાં આવી રહી છે. હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે અને કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોલીસ અને એફએસએલ (FSL) ની ટીમ દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણની તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો: Ahmedabd: પોલીસ દ્વારા વિમેન ફિટનેસ વોકાથોનનું ભવ્ય આયોજન, મહિલા પોલીસ ફોર્સ માટે CPની ખાસ અપીલ