રાજકોટમાં આગામી 11, 12 અને 13 જાન્યુઆરી દરમિયાન 'સૌરાષ્ટ્ર ઝોન વાયબ્રન્ટ સમિટ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવા માટે પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં સાંસદો, રેન્જ આઈજી અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, 11 જાન્યુઆરીએ બપોરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પધારશે અને જૂના એરપોર્ટથી તેમનું ભવ્ય સ્વાગત કરી એક શાનદાર રોડ-શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
મિશન વાયબ્રન્ટ રાજકોટ
આ સમિટ મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાશે, જે મહેસાણા સમિટ કરતાં પણ વિશાળ સ્તરે આયોજિત કરવામાં આવી રહી છે. અંદાજે 26,400 ચોરસ મીટરના વિસ્તારમાં ભવ્ય પ્રદર્શન (એક્ઝિબિશન) યોજાશે. આ સમિટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે યુક્રેન અને દક્ષિણ કોરિયા જેવા દેશો 'પાર્ટનર કન્ટ્રી' તરીકે જોડાશે, જે સૌરાષ્ટ્રના ઉદ્યોગ જગત માટે વૈશ્વિક તકોના દ્વાર ખોલશે. આ સમિટ માટે અત્યાર સુધીમાં 6000થી વધુ ઉદ્યોગ સાહસિકો અને અગ્રણીઓએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે.













