રાજકોટ વિધાનસભા-70 (દક્ષિણ) ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા આજે એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. રાજકોટથી રાજ્યના પાટનગર ગાંધીનગર વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી એડવાન્સ એસ.ટી. બસ સર્વિસના લોકાર્પણ સમયે ધારાસભ્ય પોતે બસના ડ્રાઈવરની સીટ પર બેસીને બસ ચલાવતા નજરે પડ્યા હતા.
નવી બસ સેવાનું ફ્લેગ ઓફ
રાજકોટના મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી એસ.ટી. નિગમ દ્વારા રાજકોટ અને ગાંધીનગર વચ્ચે નવી અત્યાધુનિક બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ ટીલાળા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લીલી ઝંડી આપી બસનું પ્રસ્થાન કરાવ્યું હતું, પરંતુ ત્યારબાદ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે તેઓ પોતે ડ્રાઈવરની સીટ પર ગોઠવાઈ ગયા હતા.










