રંગીલા રાજકોટમાં વીજચોરો સામે PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) એ લાલ આંખ કરી છે. રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 20થી વધુ સોસાયટીઓમાં વીજ કંપનીની 36 ટીમોએ વહેલી સવારથી ત્રાટકીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 23 લાખ રૂપિયાની વીજચોરી ઝડપાતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે.


બેડીનાકા અને રૈયા રોડ પર 'પાવર' પેકિંગ ચેકિંગ

PGVCLની ટીમોએ ખાસ કરીને બેડીનાકા અને રૈયા રોડ જેવા ગીચ અને રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કર્યા હતા. કોર્પોરેટ ઓફિસના આદેશ અનુસાર, અલગ-અલગ 36 ટીમો દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે સોસાયટીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રહેણાંક અને કોમર્શિયલ કનેક્શનોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

લંગરિયા નાખી થતી હતી ચોરી

તપાસ દરમિયાન અધિકારીઓને ચોંકાવનારી વિગતો મળી હતી. કુલ 83 સ્થળોએ વીજ મીટરમાં છેડછાડ અથવા ડાયરેક્ટ લંગરિયા નાખીને વીજળી ચોરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ 83 કનેક્શન ધારકોને વીજ કંપની દ્વારા લાખો રૂપિયાના દંડના ફટકારા કરવામાં આવ્યા છે.

વીજચોરોમાં ફફડાટ

રાજકોટ શહેરમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં ટીમો ઉતારવામાં આવતા અન્ય વીજચોરોમાં પણ ફફડાટ ફેલાયો છે. PGVCLના અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ડ્રાઈવ ચાલુ રહેશે અને લાઈન લોસ ઘટાડવા માટે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે.


આ પણ વાંચો - Rajkot News : રાજકોટમાં બસ સ્ટેન્ડ પાસે ઉભેલી સગીરા સાથે રીક્ષા ચાલકે કર્યા અડપલા, સિકંદર સામે નોંધાઈ ફરિયાદ


  • Follow us on: