રાજકોટમાં જાણીતી શિક્ષણ સંસ્થા 'ગેલેક્સી ગ્રુપ' દ્વારા કરવામાં આવેલી સ્ટેમ્પ ડ્યુટીની મોટી ચોરીનો મામલો સામે આવતા સનસનાટી મચી ગઈ છે. નાયબ કલેક્ટરે આ મામલે કડક કાર્યવાહી કરતા સંસ્થાને કુલ રૂ. 4.46 કરોડનો માતબર દંડ ફટકાર્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે, ગેલેક્સી ગ્રુપના કિરણ ભાલોડિયા સહિત 6 ભાગીદારોએ મળીને એક 'ખેડૂત' નામની ભાગીદારી પેઢી ઉભી કરી હતી. આ પેઢીના ઓઠા હેઠળ મિલકતની ખરીદી કરવામાં આવી હતી અને ટેક્સ બચાવવાના ઈરાદે કુલ સ્ટેમ્પ ડ્યુટીના માત્ર 75 ટકા રકમ ભરીને બાકીની કરોડોની રકમની ચોરી કરવામાં આવી હતી.
સ્ટેમ્પ ડ્યુટી ચોરી પકડાઈ
રાજકોટ જિલ્લાના નાયબ કલેક્ટર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી ચોરીના આ પ્રકરણને ઝડપી પાડીને જવાબદારોને નોટિસ ફટકારવામાં આવી છે. આ વ્યવહારમાં સરકારી તિજોરીને મોટું નુકસાન પહોંચાડવાના ઈરાદે દસ્તાવેજોમાં ગોલમાલ કરવામાં આવી હોવાનું સાબિત થયું છે. કલેક્ટર કચેરીના આ કડક વલણને પગલે અન્ય પ્રોપર્ટી ડિલર્સ અને શિક્ષણ જગત સાથે જોડાયેલા મોટા માથાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. હાલમાં તંત્ર દ્વારા દંડની વસૂલાત માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં આ મામલે વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.













