રાજકોટ રેલવે પોલીસે મુસાફરોની સુરક્ષાને જોખમાવતી એક રીઢા ગુનેગારોની ગેંગનો પર્દાફાશ કર્યો છે. રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં મુસાફરોને નિશાન બનાવી તેમને અવાવરુ સ્થળે લઈ જઈ લૂંટ ચલાવતા બે ખતરનાક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ટેકનોલોજીની મદદથી આરોપીઓ પાંજરે પુરાયા
ઝડપાયેલા આરોપીઓની ઓળખ હિતેશ જાંબુકિયા અને સાહિલ ઉર્ફે બાડો રફાઈ તરીકે થઈ છે. આ આરોપીઓ મુસાફરોને કોઈને કોઈ બહાને વિશ્વાસમાં લઈ અવાવરુ જગ્યાએ લઈ જતા હતા. ત્યાં છરીની અણીએ ડરાવી-ધમકાવી મુસાફરો પાસેથી રોકડ ઉપરાંત ઓનલાઈન (UPI) દ્વારા પણ રૂપિયા ટ્રાન્સફર કરાવી લેતા હતા. એક જાગૃત મુસાફરે પોલીસને જાણ કર્યા બાદ જે UPI ID પર રૂપિયા ટ્રાન્સફર થયા હતા તેના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ કરી આરોપીઓને દબોચી લીધા છે.










