ગુજરાતમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવામાન વિભાગની આગાહી સાચી ઠરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. રાજકોટ, મોરબી અને જામનગર બાદ હવે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો ધોરાજી અને ઉપલેટા પંથકમાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.
ધોરાજી-ઉપલેટામાં ધોધમાર વરસાદ અને રેનકોટ
રાજકોટ જિલ્લાના ધોરાજી અને ઉપલેટામાં બપોર બાદ અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ભર ઉનાળે લોકો રેનકોટ પહેરીને વરસાદથી બચતા જોવા મળ્યા હતા, જે દ્રશ્યો આ કમોસમી વાતાવરણની ગંભીરતા દર્શાવે છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા સ્થાનિક લોકો પણ અચરજમાં મુકાઈ ગયા હતા.
