રાજકોટ સ્માર્ટ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં વધુ એક નવું છોગું ઉમેરાવા જઈ રહ્યું છે. જામનગર રોડ પરથી પસાર થતી વખતે વર્ષોથી વાહનચાલકો જે રેલવે ક્રોસિંગ અને ટ્રાફિક જામની સમસ્યાથી ત્રસ્ત હતા, તેમાંથી મુક્તિ આપવા માટે રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા ૭૪ કરોડ રૂપિયાના માતબર ખર્ચે નવો સાંઢિયા બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. આ બ્રિજની કામગીરી નિર્ધારિત સમય મર્યાદામાં પૂરી થાય તે માટે તંત્ર છેલ્લા કેટલાક મહિનાઓથી ડે-નાઇટ કામ કરી રહ્યું હતું, જે આખરે હવે પૂર્ણાહુતિ તરફ છે.

ઉચ્ચ કક્ષાની ટીમે લીધી ઓન-ગ્રાઉન્ડ મુલાકાત

બ્રિજનું લોકાર્પણ નજીકના દિવસોમાં વીઆઈપી (VIP) હસ્તે કરવાનું આયોજન હોવાથી, પ્રોજેક્ટમાં કોઈ કચાસ ન રહી જાય તે માટે રાજકોટના નવનિર્વાચિત મેયર ડૉ. નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનર સંયુક્ત રીતે સ્થળ પર પહોંચ્યા હતા. તેમની સાથે કોર્પોરેશનના ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, દંડક તેમજ શાસક પક્ષના નેતા સહિત આખું રાજકીય અને વહીવટી તંત્ર બ્રિજ પર નિરીક્ષણ માટે હાજર રહ્યું હતું. નેતાઓએ એન્જિનિયરો સાથે રહીને પુલના સ્લેબ, કનેક્ટિવિટી રોડ, સ્ટ્રીટ લાઈટ્સ અને કલરકામની ઝીણવટભરી તપાસ કરી હતી.

તમામ તકનીકી ખામીઓ કરાઈ દૂર

મુલાકાત દરમિયાન મેયર અને કમિશનરે અગાઉ સામે આવેલી નાની-મોટી ત્રુટિઓ અને ફિનિશિંગના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. અધિકારીઓએ ખાતરી આપી છે કે બ્રિજની તમામ ત્રુટિઓ અને સિવિલ ડિફેક્ટ્સને સંપૂર્ણપણે સુધારી લેવામાં આવ્યા છે અને હવે બ્રિજ લોડ ટેસ્ટિંગ માટે સજ્જ છે. આ પુલ શરૂ થવાથી માધાપર ચોકડી, જામનગર હાઈવે અને ગોંડલ રોડ તરફ કનેક્ટ થતા વાહનોને નોન-સ્ટોપ કનેક્ટિવિટી મળશે, જેનાથી ઈંધણ અને સમય બંનેની મોટી બચત થશે. આગામી અઠવાડિયામાં મુખ્યમંત્રી અથવા મંત્રીશ્રીની તારીખ મળતા જ આ બ્રિજને જનતાના ચરણોમાં સમર્પિત કરી દેવાશે.

આ પણ વાંચો: Mahisagar: ચાલુ એસ.ટી. બસમાં મુસાફરને હાર્ટ એટેક આવતા મોત, ડ્રાઈવરે બસ હોસ્પિટલ દોડાવી પણ જીવ ન બચી શક્યો