રાજકોટ જિલ્લાના આટકોટમાં માસૂમ બાળકી પર આચરવામાં આવેલા દુષ્કર્મની હૃદયદ્રાવક ઘટનામાં રાજકોટ ગ્રામ્ય કોર્ટે આજે સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના મુખ્ય આરોપી રામસિંગને માનવતાને શર્મસાર કરનારા કૃત્ય બદલ ફાંસીની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, ગત 12 જાન્યુઆરીના રોજ કોર્ટે આરોપીને દોષી જાહેર કર્યો હતો અને ત્યારબાદ આજે સજાની સુનાવણી દરમિયાન તેને મૃત્યુદંડ આપવાનો નિર્ણય લેવાયો હતો. આ ચુકાદાથી પીડિત પરિવાર અને સમાજમાં ન્યાય પ્રણાલી પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.
આટકોટ દુષ્કર્મ કેસ
આ કેસમાં રાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરી પણ પ્રશંસનીય રહી છે. પોલીસે ગંભીરતા દાખવી માત્ર 11 દિવસની અંદર કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી હતી, જેના કારણે કેસની ટ્રાયલ ઝડપથી પૂર્ણ થઈ શકી હતી. તપાસ દરમિયાન જ્યારે સીન રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, ત્યારે આરોપી રામસિંગે પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. કાયદાની કડક કાર્યવાહી અને ન્યાયિક પ્રક્રિયાના અંતે, નરાધમને તેના પાપની યોગ્ય સજા મળી છે, જે સમાજમાં એક દાખલો બેસાડશે.













