એપ્રિલ મહિનો ફરી ગરમ મહિનો બન્યો હોય તેમ એક દિવસની રાહત પછી ફરી સુર્યનારાયણ કાળઝાળ બન્યા છે.ગઈકાલે જુનાગઢ અને રાજકોટમાં ગરમીનો પારો 42 ડિગ્રીને આંબી જતા શહેરીજનો ગરમીથી ત્રસ્ત બન્યા હતા.બપોરે ગરમાગરમ લુથી જનજીવન પ્રભાવીત થયું છે.ગઈકાલે સવારે રાજકોટ, વેરાવળ, પોરબંદર, દીવ, કંડલા સહિતના શહેરોમાં ભેજનું પ્રમાણ વધતા આ વિસ્તારમાં ઠંડકનો અહેસાસ થયો હતો.જો કે, બપોરે તાપમાનનો પારો સડસડાટ ઉંચકાયો હતો. આકરા તાપ અને લૂ ને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. શહેરમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે.

શહેરીજનો આકરા તાપમાં શેકાયા

જુનાગઢમાં તાપમાન 42, સુરેન્દ્રનગરમાં 41,અમરેલીમાં 40.3,ભુજમાં 39.7,કેશોદમાં 38,કંડલા એરપોર્ટમાં 37.5,ભાવનગરમાં 37,નલીયામાં 35.2, પોરબંદરમાં 34.3, ઓખામાં 33.4, મહુવામાં 33.2, દીવમાં 32.7, વેરાવળમાં 32, દ્વારકામાં 31.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં સતત પાંચમાં દિવસે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થઈ ગયો છે. 9 કલાકમાં શહેરમાં તાપમાન 19.7 ડિગ્રી વધ્યું હતું. શહેરમાં લઘુતમ તાપમાન 22.1ડિગ્રી નોંધાયું હતું.સવારે પ્રતિ કલાક 8 કિલોમીટરની ઝડપે પવન ફુંકાયા બાદ બપોરે પવનની ગતિ ઘટીને 6 કિલોમીટર થઈ જતા શહેરીજનો આકરા તાપમાં શેકાયા હતાં. શહેરમાં આજે લોકડાઉન જેવી સ્થિતિ જોવા મળી છે. આકરા તાપ અને લૂ ને પગલે જનજીવન પ્રભાવિત થયું છે. રસ્તા સૂમસામ જોવા મળ્યા છે.

રાજકોટ શહેરમાં 26 લોકો સનસ્ટ્રોકનો ભોગ બન્યા

રાજકોટ શહેરમાં સાંજે 10 કિલોમીટરની ઝડપે ગરમાગરમ પવન ફુંકાતા લોકો ઘરમાં પુરાયા હતા. બપોરના સમયે આકરા તાપમાં રસ્તા સુમસાન બની ગયા હતા.આ દરમિયાન રાજકોટ શહેર અને તેની આસપાસના વિસ્તારમાં રહેતા 26 લોકો સનસ્ટ્રોકનો શિકાર બનતા તમામ અસરગ્રસ્તોને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.છેલ્લા એક પખવાડીયા દરમિયાન રાજકોટ શહેરમાં 26 લોકો સનસ્ટ્રોકનો ભોગ બન્યા છે.જ્યારે 3 લોકોએ પેટમાં તીવ્ર દુ:ખાવો અને એક શખસ લુથી બેભાન થઈ જતા તાબડતોબ સારવાર અર્થે સરકારી દવાખાનામાં 108 મારફત ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ ભુજમાં પણ આકરી ગરમીનો અનુભવ થયો છે. તાપમાન 40 ડિગ્રીને પાર થતાં લોકો શેકાયા છે.આગામી ત્રણ દિવસ ગરમી વધવાની શક્યતા છે.

આ પણ વાંચોઃ Gujarat News: PM મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે, 26 એપ્રિલે મતદાન કરશે