સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે બપોર પછી ૫૦ થી ૬૦ કિલોમીટરની ઝડપે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડતા પીજીવીસીએલના પાવર સપ્લાય નેટર્વક અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે પવનના કારણે વીજ થાંભલા અને વાયર તૂટી જવાના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના ૬૯૦ ગામડામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજ પાવર ઠપ્પ થઈ ગયો હતો

વીજ કંપનીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તોફાની પવનના કારણે સૌથી વધુ જામનગર -દ્વારકા જિલ્લાના ૩૦૨ ગામડામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. વાવાઝોડાના કારણે હાલારમાં ૯૮ વીજ થાંભલા જમીનદોસ્ત થયા હોવાના અહેવાલ મળ્યા છે. રાજકોટ શહેરમાં પણ વાવાઝોડાએ વીજ કંપનીને ભારે ખાનાખરાબી સર્જી છે. શહેરમાં પંચવટી સોસાયટી, અમીન માર્ગ, કાલાલડ રોડ, કોઠારિયા સહિતના વિસ્તારોમાં ૨૦ જેટલા થાંભલા પડી ગયા છે. જ્યારે પાંચ જગ્યાએ વૃક્ષ માથે પડતા વાયર તૂટી જવાના કારણે અનેક વિસ્તારોમાં કલાકો સુધી વીજ પાવર ઠપ્પ થઈ ગયો હતો.

વીજ પુરવઠો ફરી શરૂ કરવા માગ કરાઈ છે

સમગ્ર શહેરમાં કુલ ૫૩ ફિડર બંધ થતા વીજ ટીમો દ્વારા વીજ પુરવઠો કાર્યરત કરવા મોડી રાત સુધી યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે, સાધુ વાસવાણી રોડ, રેલનગર, માધાપર સહિતના વિસ્તારોમાં પાંચ-પાંચ કલાક સુધી પુરવઠો ચાલુ નહીં થતા શહેરીજનો અકળાયા હતા અને વીજ કચેરીમાં ફરિયાદોનો મારો ચલાવ્યો હતો. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પણ વાવાઝોડાએ તાંડવ મચાવ્યો હતો. ગ્રામ્ય વિસ્તાર ઉપલેટા,ધોરાજી સહિતના ગામડાઓમાં ભારે પવનના કારણે ૫૦થી વધુ વીજપોલ ધરાશાયી થતા ૧૧૨ ગામડામાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના 8 ગામડામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો

જ્યારે મોરબી જિલ્લાને પણ વાવાઝોડાએ ધમરોળ્યું હોવાથી મોરબી પંથકમાં ભારે નુકશાનીના અહેવાલ મળી રહ્યા છે. મોરબી જિલ્લાના ૧૩૨ ગામડામાં અંધારપટ્ટ છવાયો હતો. જ્યારે કચ્છના ભુજમાં ૧૧૧ ગામડા, અંજારમાં ૨૫ અને સુરેન્દ્રનગર જિલ્લાના ૮ ગામડામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.


આ પણ વાંચો : Gujarat Weather News : ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ