રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા ભાવનગર રોડ પર આજે બપોરના સમયે એક ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળતા ભયનો માહોલ સર્જાયો હતો. થોરાળા પોલીસ સ્ટેશનની બિલકુલ બાજુમાં જ સર્જાયેલી આ ઘટનાને પગલે માર્ગ પરની ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

શું છે સમગ્ર ઘટના?

ઘટનાની મળતી માહિતી અનુસાર, એક મારુતિ વાન ભાવનગર રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે થોરાળા પોલીસ સ્ટેશન પાસે પહોંચતા જ તેના એન્જિનના ભાગમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. કાર ચાલક કંઈ સમજે તે પહેલાં જ જોતજોતામાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. ભરચક ટ્રાફિક વચ્ચે કારમાં આગ ભભૂકતા આસપાસના વાહનચાલકો અને રાહદારીઓમાં ફાળ પડી હતી.

ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી

ઘટનાની જાણ થતા જ રાજકોટ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં મારુતિ વાન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. સદનસીબે આગ લાગતા જ ચાલક અને અન્ય સવારો સમયસૂચકતા વાપરી કારની બહાર નીકળી ગયા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

ટ્રાફિક જામ અને પોલીસ બંદોબસ્ત

પોલીસ સ્ટેશનની બાજુમાં જ બનેલી આ ઘટનાને કારણે થોડા સમય માટે ભાવનગર રોડ પર વાહનોની લાંબી કતારો લાગી હતી. થોરાળા પોલીસના સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને લોકોને સુરક્ષિત અંતરે ખસેડ્યા હતા.

પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. રાજકોટમાં અવારનવાર જૂના વાહનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે વાહન ચાલકોએ પોતાના વાહનોનું મેન્ટેનન્સ યોગ્ય રીતે રાખવું અનિવાર્ય બન્યું છે.


આ પણ વાંચો - Kutch News: પશ્ચિમ કચ્છ SOG પોલીસને મળી મોટી સફળતા, ભુજમાંથી MD ડ્રગ્સ સાથે મહિલા ઝડપાઈ