રાજકોટમાં કમોસમી વરસાદને પગલે નુકસાનીનો સરવે કરવા કેન્દ્રીય ટીમ આવી રાજકોટ જિલ્લામાં, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારી સાથે બેઠક યોજી પરિસ્થિતિ અને નુકસાની અંગે અંદાજ મેળવ્યો હતો, માર્ગ અને મકાન વિભાગ, કૃષિ, પીજીવીસીએલ સહિતના વિભાગો પાસેથી માહિતી મેળવી હતી અને કેન્દ્રીય ગૃહ વિભાગના સંયુક્ત સચિવ અરવિંદ ખરે સહિતના અધિકારીઓ એ કલેક્ટર સહિતના અધિકારીઓ સાથે મુલાકાત કરી માહિતી મેળવી.
અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોની વ્યથા
ખેડૂતોની નારાજગીનું મુખ્ય કારણ સહાયની ઓછી રકમ છે. અમરેલીના ખાંભા ગીર વિસ્તારના ખેડૂતોએ, જ્યાં સતત આઠ દિવસના વરસાદથી 100 ટકા પાક નિષ્ફળ ગયો હતો, ત્યાં જાહેર થયેલ ₹10 હજાર કરોડના રાહત પેકેજને 'સામાન્ય' ગણાવ્યું છે. ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું કે તેમણે વીઘા દીઠ ₹18 થી ₹20 હજારનો ખર્ચ પાક તૈયાર કરવામાં કર્યો છે. તેની સામે સરકાર દ્વારા વીઘા દીઠ માત્ર ₹3,500 થી ₹3,520ની સહાય આપવામાં આવી છે. રાજકોટના જસદણમાં પણ ખેડૂતોની સમાન વ્યથા જોવા મળી છે. ખેડૂતોએ મગફળી તૈયાર કરવાના વીઘા દીઠ ₹20 હજારના ખર્ચ સામે માત્ર ₹3,520ની સહાય મળવાથી રાહત પેકેજમાં અન્યાય થયો હોવાનું જણાવ્યું છે.
જસદણમાં ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવી
આ રાહત પેકેજ બાદ ખેડૂતોએ સરકાર સમક્ષ મુખ્યત્વે બે માંગણીઓ મૂકી છે. અમરેલીના ખાંભા ગીર સહિતના ખેડૂતોએ પાક નિષ્ફળ જતાં સંપૂર્ણ દેવા માફી કરવામાં આવે તેવી માંગ કરી છે. જસદણના ખેડૂતોની માંગ છે કે કમોસમી વરસાદમાં પલળી ગયેલી મગફળીને રિજેક્ટ ન કરવામાં આવે. જો મગફળી રિજેક્ટ થશે તો વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એકંદરે, ખેડૂતોને થયેલા ભારે નુકસાનની સરખામણીમાં જાહેર થયેલી સહાયની રકમ અત્યંત ઓછી હોવાથી ખેડૂત વર્ગમાં સરકાર પ્રત્યે નારાજગીનો માહોલ છે.









