રાજકોટમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો દ્વારા સરકારી બાબુઓ સામે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સહાયક રાજ્ય વેરા કમિશનર કક્ષાના એક વર્ગ 1 અધિકારી વિરુદ્ધ લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, ભરતભાઈ શામજીભાઈ સુરેલીયા, જેઓ સહાયક રાજ્ય વેરા કમિશનર, ઘટક-93, રાજકોટ તરીકે ફરજ બજાવે છે, તેમણે ફરિયાદકર્તાના ગ્રાહકના કારખાનાના GST નંબર મેળવી આપવાના અવેજમાં લાંચની માંગણી કરી હતી.

રૂપિયા 3000ની લાંચની માંગણી કરી 

એસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે. એમ. આલ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, આક્ષેપિત અધિકારી સુરેલીયાએ પોતાના અંગત ફાયદા માટે ફરિયાદકર્તા પાસેથી રૂપિયા 3000ની લાંચની માંગણી કરી હતી. આ માંગણી 24 જાન્યુઆરી, 2023ના રોજ કરવામાં આવી હતી, જેના આધારે તારીખ 4 ડિસેમ્બર, 2025ના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ લાંચની માંગણી સહાયક રાજ્ય વેરા કમિશનરની કચેરી, ઘટક-93, રાજકોટ ખાતે થઈ હતી.

હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી 

લાંચની માંગણી કરીને, આ વર્ગ 1 અધિકારીએ પોતાના રાજ્યસેવક તરીકેના હોદ્દાનો દુરુપયોગ કરી ગુનાહિત ગેરવર્તણૂક આચરી હતી. આ કેસનું સુપરવિઝન કે. એચ. ગોહિલ, ઈન્ચાર્જ મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ દ્વારા કરવામાં આવી રહ્યું છે. એસીબીની આ કાર્યવાહીથી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર આચરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.


આ પણ વાંચો - Gujarat Flashback 2025: સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મો