રાજકોટમાં ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે. શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ સાથે અમાનવીય વર્તન કરવાની પણ ઘણી ઘટનાઓ ગત દિવસોમાં સામે આવી છે. આ વચ્ચે રાજકોટમાં એક શિક્ષકે માનવતાની તમામ હદો વટાવી છે. આ શિક્ષકે એક યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ તેના બિભત્સ ફોટો અને વિડિયો બનાવ્યા હતા. આટલું ઓછું હોય તેમ આ શિક્ષકે તેના લગ્નમાં જઈને તેના લગ્ન તોડાવ્યા હતા. આ સમગ્ર મામલે પીડિતાએ ફરિયાદ નોંધવી છે. આ ઘટનાથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.

પ્રતિષ્ઠિત પરિવારની યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું

રાજકોટમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી અને કાયદાના શાસન પર સવાલ ઊભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. પડધરીના સરકારી શિક્ષક મુકેશ સોલંકી અને તેની સ્ત્રી મિત્ર પ્રીતિ ઘેટીયા દ્વારા એક પ્રતિષ્ઠિત પરિવારની યુવતી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની અને ત્યારબાદ યુવતીના લગ્ન તોડાવી ધમકીઓ આપવાનો સનસનાટીપૂર્ણ મામલો પ્રકાશમાં આવ્યો છે.

પીડિતાએ મીડિયા સમક્ષ જણાવી આપવીતી

દુષ્કર્મનો ભોગ બનેલી યુવતીએ ત્રાસથી કંટાળીને આખરે પોલીસ ફરિયાદ નોંધાવી છે અને મીડિયા સમક્ષ પોતાની આપવીતી જણાવી છે. પીડિતાએ જણાવ્યું કે, તે પ્રીતિ ઘેટીયાના સંપર્કમાં આવ્યા બાદ મુકેશ સોલંકી સાથે સંબંધમાં આવી હતી.મુકેશ પરણિત હોવાની જાણ થતાં જ્યારે યુવતીએ સંબંધ તોડવાનો પ્રયાસ કર્યો, ત્યારે મુકેશે તેના બિભત્સ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને અનેક વખત શારીરિક શોષણ કર્યું હતું.

 ભાવિ પતિને મારી નાખવાની ધમકી આપીને ધમાલ મચાવી

સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ગત 23 નવેમ્બરના રોજ યુવતીના લગ્ન હતા, ત્યારે આરોપી મુકેશ સોલંકી અને પ્રીતિ ઘેટીયા લગ્ન સમારંભમાં ધસી આવ્યા હતા. ત્યાં તેમણે યુવતી અને તેના ભાવિ પતિને મારી નાખવાની ધમકી આપીને ધમાલ મચાવી અને લગ્ન અટકાવી દીધા હતા. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બંને આરોપીઓ પાર્ટી પ્લોટમાં ઘુસતા જોવા મળે છે.

આરોપીઓ સામે કડક કાર્યવાહી

પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા કહ્યું છે કે, મારા ઉપર અત્યાચાર થયો છે. મુકેશ સોલંકી અને તેની સ્ત્રી મિત્રને સખતમાં સખત સજા થવી જોઈએ. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને સહઆરોપી શિક્ષિકા પ્રીતિ ઘેટીયાની ધરપકડ કરી લીધી છે. જોકે, મુખ્ય આરોપી શિક્ષક મુકેશ સોલંકી હજૂ પણ ફરાર છે, અને પોલીસે તેની શોધખોળના ચક્રો ગતિમાન કર્યા છે.


આ પણ વાંચો - Rajkot News: શિયાળામાં સસ્તા થવાની જગ્યાએ મોંઘા થયા શાકભાજી, જાણો ભાવ