સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરના ભાગોળે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી દીપડાનો આતંક ચિંતાનો વિષય બન્યો છે. ખાસ કરીને હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીકના વિસ્તારોમાં દીપડાના સતત આંટાફેરાથી ગ્રામજનોમાં દહેશત વ્યાપી છે. પરિણામે, સ્થાનિક લોકોએ વન વિભાગ સમક્ષ તાત્કાલિક પગલાં લેવાની અને દીપડાને પાંજરે પૂરવાની સખત માંગણી કરી છે.

એક ગાયનું દીપડાએ મારણ કર્યું

પ્રાપ્ત માહિતી અનુસાર, દીપડાના આતંકની સૌથી તાજેતરની ઘટના ભુકરાવી ગામની સીમમાં નોંધાઈ છે. અહીં માલધારી પરિવારની એક ગાયનું દીપડાએ મારણ કર્યું હતું. આ બનાવથી પશુપાલકોમાં ભયનો માહોલ છે. ભુકરાવી ગામના રહેવાસી માલધારી હકાભાઈની ગાયનું મારણ થતાં સ્થાનિક માલધારીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો છે.

પશુઓની સંભાળ લેવી જોખમી બની

ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે, છેલ્લા બે મહિનાથી આ વિસ્તારમાં દીપડાની હાજરી સતત જોવા મળી રહી છે. આટલું જ નહીં, લગભગ બે મહિના પૂર્વે પણ હીરાસર એરપોર્ટના નિર્માણ સ્થળ નજીક આ દીપડો દેખાયો હોવાના અહેવાલ હતા. દીપડો હવે માલધારીઓના પશુઓને નિશાન બનાવી રહ્યો હોવાથી રાત્રિના સમયે ખેતરોમાં જવું અને પશુઓની સંભાળ લેવી જોખમી બની ગઈ છે.

તાત્કાલિક પાંજરા મૂકીને આ હિંસક પશુને પકડવાની માંગ

આ વિસ્તારમાં વારંવાર દીપડાના આંટાફેરાથી ખેડૂતો અને માલધારીઓ તેમના પશુઓની સલામતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ભૂકરાવી સહિત આસપાસના ગ્રામજનોએ આ મામલે વન વિભાગને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. તેમની મુખ્ય માંગણી છે કે, દીપડાના માનવ વસાહત તરફના પ્રવેશને અટકાવવા અને કોઈ મોટી દુર્ઘટના ન બને તે માટે તાત્કાલિક પાંજરા મૂકીને આ હિંસક પશુને પકડી પાડવામાં આવે. વન વિભાગના અધિકારીઓએ આ વિસ્તારમાં દીપડાની ગતિવિધિ પર નજર રાખી હોવાનું જણાવ્યું છે અને ટૂંક સમયમાં જ પાંજરા ગોઠવીને દીપડાને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે તેવી ખાતરી આપી છે.


આ પણ વાંચો - Bhavnagar News: બેરોજગારીએ લીધો યુવકનો ભોગ, દેશ અને રાજ્યમાં કેટલા લોકોએ કરી આત્મહત્યા?