રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ટીપી રોડ અને આજી નદીના પટમાં સોમવારે 87000 ચોરસ મીટરની સરકારી જમીન ખાલી કરાવવા શરૂ કરાયેલું સૌરાષ્ટ્ર-રાજકોટનું સૌથી મોટું ઓપરેશન ડિમોલીશન બીજા દિવસે મંગળવારે સાંજે શાંતિપૂર્વક સમાપ્ત થયું હતું. સવારથી સાંજ સુધી ૮૩ જેસીબી સહિતના ૨૬૦ વાહનોની મદદથી બાકી રહેલા ૩૯૦ મકાનોને તોડી પાડવામાં આવ્યા હતા.
કુલ મળીને 1504 મકાનોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા
એ સાથે સલામતીના ભાગરૂપે ડિમોલિશન વિસ્તારની શેરીઓ પાસે પીળા પટ્ટા અને પતરાની આડશો મૂકવામાં આવી હતી અને જાહેર સલામતીના કારણોથી આ વિસ્તારમાં અનધિકૃત લોકો માટે નો-એન્ટ્રી જાહેર કરવામાં આવી હતી. મનપાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, ગઈ કાલે સોમવારે નદીના પટમાં કાચા છાપરાવાળા મકાનોને પ્રાથમિકતા આપીને એને દુર કર્યા, સાથે ટીપી રોડ પરના દબાણો દૂર કરવાનું ચાલુ કરી દીધેલું. ગઈકાલે ૧૫૦૯માંથી ૧૧૧૯ મકાનોનું ડિમોલીશન કરવામાં આવ્યું હતું.
