રાજકોટ જિલ્લાના ઉપલેટા અને આસપાસના પંથકમાં છેલ્લા ૨૪ કલાકથી ભૂકંપના આંચકાઓનો અવિરત સિલસિલો જારી રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાત્રે 8:43 કલાકે શરૂ થયેલો આ ભૂકંપનો દોર આજે બપોર સુધી ચાલુ રહ્યો હતો, જેમાં કુલ 16 જેટલા નાના-મોટા આંચકાઓ અનુભવાયા છે. આજે બપોરે 11:41 કલાકે પણ 2.6ની તીવ્રતાનો વધુ એક આંચકો નોંધાયો હતો. ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, આ તમામ આંચકાઓનું કેન્દ્રબિંદુ (એપી સેન્ટર) ઉપલેટાથી અંદાજે 28 કિલોમીટર દૂર નોંધાયું છે.

ઉપલેટામાં સતત કંપન

આજે સવારથી જ આંચકાઓની તીવ્રતામાં વધારો જોવા મળ્યો હતો, જેમાં સવારે 8:34 કલાકે 3.2ની તીવ્રતા અને ત્યારબાદ 9:45 કલાકે ફરીથી 3.2ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. સતત ધ્રૂજી રહેલી ધરતીને કારણે લોકો પોતાના ઘર અને વ્યવસાયિક એકમો છોડીને ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતર્ક નજર રાખવામાં આવી રહી છે. વારંવાર આવતા આ આંચકાઓને કારણે જૂના અને જર્જરિત મકાનોમાં તિરાડો પડવાની ભીતિ સેવાઈ રહી છે, જોકે હાલ સુધી કોઈ મોટી જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.