રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા કોઠારીયા સોલ્વેન્ટ વિસ્તારમાં ટ્રાફિક વોર્ડનની કથિત દાદાગીરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટ્રાફિક નિયમન કરવા માટે નિમણૂક કરાયેલા વોર્ડન દ્વારા વાહનચાલક સાથે ઉગ્ર માથાકૂટ અને અસભ્ય વર્તન કરવામાં આવતું હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થયો છે. આ ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ અને વોર્ડનની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
રાજકોટના કોઠારીયા સોલ્વેન્ટ પાસેની ઘટના
સ્થાનિકો અને વાહનચાલકોનો આક્ષેપ છે કે કોઠારીયા સોલ્વેન્ટ પાસે અવારનવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે, પરંતુ વોર્ડન ટ્રાફિક હળવો કરવાને બદલે વાહનચાલકોને સાઈડમાં ઉભા રાખીને દંડ ઉઘરાવવામાં વધુ રસ દાખવી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વાહનચાલક સાથે વોર્ડન અત્યંત ઉદ્ધત ભાષામાં વાત કરી રહ્યો છે અને માથાકૂટ પર ઉતરી આવ્યો છે. ત્યાં હાજર કોઈ વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનું મોબાઈલ શૂટિંગ કરી લીધું હતું, જેના કારણે વોર્ડનની પોલ ખુલી ગઈ છે.













