રાજકોટમાં કમોસમી વરસાદથી મસાલા માર્કેટને નુકસાન થયું છે અને શહેરના ત્રણે ઝોનમાં આવેલી બારમાસી મસાલા માર્કેટને નુકસાન થયું છે, માર્કેટના શેડ, તાલપત્રી પવનને પગલે ઉડી ગઈ હતી અને અનેક માર્કેટમાં મરચાં , ધાણા, હળદર સહિતના મસાલાને નુકસાન થયું છે, મસાલા માર્કેટ ફરી ધમધમતું થતા ત્રણ થી ચાર દિવસનો સમય લાગશે.
માવઠું ખાબકતા મસાલા માર્કેના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કમોસમી વરસાદની આગાહી સાચી ઠરતા ગુરુવારે સાંજે ૪ વાગ્યે શહેરમાં અચાનક વાતાવરણ પલટાયું હતું અને જોરદાર પવન અને કરા સાથે વરસાદી ઝાપટું પડયું હતું. ભરઉનાળે ત્રાટકેલું માવઠું નાના મોવા સહિત શહેરની એનેક મસાલા માર્કેટ માટે આફત વહોરી છે. માર્કેટમાં સિઝનના મસાલાની ધૂમ આવક વચ્ચે કમોસમી વરસાદ રૂપી માવઠું ખાબકતા મસાલા માર્કેના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે.
માવઠાને પગલે માર્કેટમાં કેટલાક મંડપ તૂટી પડયા
નાના મોવા મસાલા માર્કેટના વેપારી સંજયભાઈ સોલંકીએ જણાવ્યું કે, ભારે પવન અને કરા સાથે વરસેલા અચાનક વરસાદથી મસાલા માર્કેટના મંડપ પડી ગયા છે, જોકે આગાહીને પગલે માલ-સામાન ઢાંકી દેવાયો હતો પરતું મસાલામાં ભેજ લાગશે તો સડી જવાની ભીતી સેવાઈ રહી છે. જેના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકશાન થઈ શકે છે. મસાલાના અન્ય વેપારી નીલેશભાઈ કોટકે કહ્યું કે, હાલ મરચા, હળદર, ધાણાજીરુ વગેરે મસાલાનું વેચાણ થાય છે ત્યારે માવઠાને પગલે માર્કેટમાં કેટલાક મંડપ તૂટી પડતા બધુ અસ્થવ્યસ્ત થઈ ગયું છે. પરંતુ માર્કેટ ચાલુ જ છે બંધ થયું નથી, માર્કેટમાં સમુ સરખુ કરતા બે થી ત્રણ દિવસનો સમય લાગશે તેમ વેપારી આલમે જણાવ્યું છે.
આ પણ વાંચો : Rajkot News : સૌરાષ્ટ્ર કચ્છના 690 ગામમાં અંધારપટ્ટ છવાયો, રાજકોટ ગ્રામ્યના 112 ગામોમાં અંધારપટથી વીજ પુરવઠો ખોરવાયો