રાજકોટ રેલવે સ્ટેશનના ફેબ્રિકેશન કામમાં ચુકવણી ન થવાને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. ફેબ્રિકેશનનું કામ કરનાર ઋષિક ચાવડા નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર વીડિયો બનાવીને કચ્છની એક કન્સ્ટ્રક્શન કંપની પર ગંભીર આક્ષેપો કર્યા છે. ઋષિક ચાવડાએ આરોપ લગાવ્યો છે કે તેમણે રેલવે માટે 75 થી 80 મેટ્રિક ટન જેટલું ભારે ફેબ્રિકેશનનું કામ પૂર્ણ કરી આપ્યું છે.

કચ્છની કન્સ્ટ્રક્શન કંપની પર ગંભીર આરોપ

તમને જણાવી દઈએ કે, આટલા મોટા કામ સામે કન્સ્ટ્રક્શન કંપનીએ તેમને અત્યાર સુધીમાં માત્ર રૂ. 3 લાખ જેટલી નજીવી રકમની જ ચુકવણી કરી છે, જ્યારે કરોડો રૂપિયાની રકમ બાકી છે. આર્થિક અન્યાયનો ભોગ બન્યા બાદ ઋષિક ચાવડાએ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી સુધી આ મામલે ફરિયાદ કરી છે. તેમણે માંગ કરી છે કે કન્સ્ટ્રક્શન કંપની વિરુદ્ધ BNS (ભારતીય ન્યાય સંહિતા) ની કલમ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.