રાજકોટના અયોધ્યા ચોક પાસે આવેલા વિરલ કોમ્પ્લેક્સમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. આરોપ છે કે પાર્કિંગમાં વ્યવસ્થિત રીતે પડેલા ટુ-વ્હીલરને ટોઈંગ કરવામાં આવી રહ્યું હતું. જ્યારે સ્થાનિક એડવોકેટે આ અંગે સવાલ ઉઠાવ્યો અને નિયમ વિરુદ્ધની કામગીરી બાબતે રજૂઆત કરી, ત્યારે ફરજ પરના ટ્રાફિક પોલીસ કર્મીએ નમ્રતા દાખવવાને બદલે ઉદ્ધત વર્તન કર્યું હતું. એડવોકેટનો ગંભીર આક્ષેપ છે કે રજૂઆત દરમિયાન પોલીસ કર્મચારીએ તેમના પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો હતો, જેનાથી સ્થળ પર તંગદિલી સર્જાઈ હતી.
ટોઈંગના નામે અરાજકતા?
છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં ટોઈંગ કામગીરી વિવાદોના વમળમાં છે, પરંતુ આ ઘટનાએ સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે. વીડિયોમાં પોલીસ કર્મીની દાદાગીરી સ્પષ્ટ દેખાઈ રહી છે, જેને પગલે એડવોકેટે ન્યાયની માંગ સાથે પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. વકીલ મંડળમાં પણ આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહે છે કે જનતા સાથે અમાનવીય વર્તન કરનારા અને કાયદાના રક્ષક બનીને ભક્ષક જેવું કૃત્ય કરનારા પોલીસ કર્મચારી સામે ઉચ્ચ અધિકારીઓ કેવા પગલાં ભરે છે.













