રાજકોટ શહેરમાં વધુ એક મોટા આર્થિક કૌભાંડનો પર્દાફાશ થયો છે. દુબઈમાં રોકાણ કરવાના બહાને લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવી લેનાર ટોળકીના બે સાગરીતોને રાજકોટ શહેર આર્થિક ગુના નિવારણ શાખા (EOW) એ દબોચી લીધા છે. આ ટોળકીએ આશરે 15 જેટલા રોકાણકારો સાથે 1.74 કરોડથી વધુની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.
'મિશા' પેઢીના નામે ખેલાયો ખેલ
ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ 'મિશા' નામની પેઢી દુબઈમાં રજિસ્ટર્ડ છે તેવું કહી રોકાણકારોનો વિશ્વાસ જીત્યો હતો. તેમણે લોકોને ખાતરી આપી હતી કે આ પેઢીમાં રોકાણ કરવાથી ખૂબ જ ઊંચું વળતર મળશે. વળતરની લાલચમાં આવીને લોકોએ પોતાની મહેનતની કમાણી આ પેઢીમાં લગાવી દીધી હતી. જોકે, મુદત પૂરી થવા છતાં આરોપીઓએ વળતર કે મુડી પરત ન આપી વિશ્વાસઘાત કર્યો હતો અને ફરાર થઈ ગયા હતા.
