રાજકોટ શહેરમાં એક તરફી પ્રેમમાં અંધ બનેલા યુવકની ખતરનાક કરતૂત સામે આવી છે. પ્રેમમાં નિષ્ફળ ગયેલા પ્રેમીએ યુવતી પર દબાણ લાવવા માટે તેની નિર્દોષ માતા અને ભાઈનું ફિલ્મી ઢબે અપહરણ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. જોકે, રાજકોટ યુનિવર્સિટી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.


એક તરફી પ્રેમમાં પાગલ પરિવારનું અપહરણ કર્યુ

શહેરના યુનિવર્સિટી પોલીસ મથકની હદમાં રહેતી એક યુવતીના એક તરફી પ્રેમમાં કૃણાલ મીઠાર નામનો શખ્સ પાગલ હતો. યુવતી તેને સ્વીકારતી ન હોવાથી કૃણાલે ખતરનાક પ્લાન ઘડ્યો હતો. તેણે પોતાના મિત્ર ભરત કાળોતરાની મદદથી યુવતીની માતા અને તેના ભાઈને ઉઠાવી લીધા હતા. આરોપીઓનો હેતુ પરિવારને બાનમાં રાખીને યુવતીને લગ્ન માટે કે પ્રેમ સંબંધ માટે મજબૂર કરવાનો હતો.

પોલીસની સફળ કામગીરી

પરિવારના સભ્યોનું અપહરણ થતા જ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. યુનિવર્સિટી પોલીસે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે આરોપીઓ અપહૃત માતા-પુત્રને લઈને ત્રંબા નજીક છુપાયા છે.

પોલીસે માતા અને પુત્રને હેમખેમ મુક્ત કરાવ્યા

પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા ત્રંબા પાસે વોચ ગોઠવીને મુખ્ય આરોપી કૃણાલ મીઠાર અને તેને મદદ કરનાર ભરત કાળોતરાને ઝડપી પાડ્યા હતા. પોલીસે માતા અને પુત્રને હેમખેમ મુક્ત કરાવી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. હાલમાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની સામે અપહરણ સહિતની કડક કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Union Budget 2026 : આઝાદ ભારતનું પહેલું બજેટ રજૂ કરનાર કોણ? જાણો સૌથી વધુ વખત બજેટ રજૂ કરનાર મંત્રીઓ વિશે


  • Follow us on: