રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ 2026-27ના નાણાકીય વર્ષ માટેનું રૂ. 3604.90 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. મનપા કમિશનર દ્વારા સૂચવવામાં આવેલા તમામ કરબોજને ફગાવીને જનતા પર એક પણ રૂપિયાનો વધારાનો વેરો નાખ્યા વગરનું આ "લોકભોગ્ય બજેટ" રજૂ કરવામાં આવ્યું છે.
કરદાતાઓ અને બિલ્ડરો માટે મોટી રાહત
બજેટમાં સામાન્ય નાગરિકો અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. મિલકત વેરા અને પાણી વેરાના ચડત વ્યાજમાં રૂ. 5,000 સુધીની માફી આપવાની જાહેરાત કરાઈ છે. ફ્લાવર બેડના રેગ્યુલરાઈઝેશન માટે જો રકમ 50,000 થી વધુ હોય, તો તેને 1 વર્ષમાં 4 હપ્તે ભરવાની મંજૂરી અપાઈ છે. (50,000 થી ઓછી રકમ એકસાથે ભરવાની રહેશે). આ નવીન વ્યવસ્થાઓથી RMC ને અંદાજે 100 કરોડની આવક થવાનો અંદાજ છે.
શહેરના વિકાસ માટેની મુખ્ય જોગવાઈઓ
| પ્રોજેક્ટનું નામ | ફાળવેલ રકમ / વિગત |
| રેસકોર્સ નવીનીકરણ | રૂ. 10 કરોડ (બ્યુટીફિકેશન માટે) |
| પબ્લિક ટોયલેટ | રૂ. 4 કરોડ (અપગ્રેડેશન માટે) |
| ઈ-બસ ચાર્જિંગ સ્ટેશન | રૂ. 25 કરોડ (100 ઈલેક્ટ્રિક બસ માટે) |
| પર્યાવરણ (નમોવન) | 22,742 ચો.મી.માં 51,000 વૃક્ષોનું વાવેતર |
| નવા બ્રિજ સ્ટડી | રૂ. 1 કરોડ (પાયલોટ સ્ટડી માટે) |
| સ્કાડા સિસ્ટમ | રૂ. 1 કરોડ (વોટર ડિસ્ટ્રીબ્યુશન માટે) |
જનસુવિધા અને મનોરંજનના નવા આયામો
મહિલાઓ માટે માત્ર રૂ. 1,000 ના દરે વાર્ષિક મુસાફરી પાસ કાઢી આપવામાં આવશે. નાના મૌવા બ્રિજ નીચે આધુનિક ગેમિંગ ઝોન અને કાફેટેરિયા બનાવવામાં આવશે.વેસ્ટ ઝોનમાં નવું શોપિંગ સેન્ટર, મોર્ડન ફૂડ ઝોન અને વોર્ડ નંબર 12 માં નવો સ્વિમિંગ પૂલ આકાર લેશે. વડીલોના નામે વૃક્ષારોપણ કરવા માટે રૂ. 6 કરોડની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Ahmedabad: પોશ વિસ્તારમાં તંત્રના 'રામ રાજ્ય', ગોટીલા ગાર્ડનમાં ટિકિટના પૈસા વસૂલાય છે પણ સુવિધાના નામે મીંડું