રાજકોટ શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ અને કરડવાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે, જેની સામે મહાનગરપાલિકા (RMC) નું તંત્ર સંપૂર્ણપણે વામણું સાબિત થયું છે. મનપાના ચોપડેથી સામે આવેલા ચોંકાવનારા આંકડા મુજબ, શહેરમાં રખડતા કૂતરાઓના વસ્તી નિયંત્રણ, ખસીકરણ (Sterilization) અને રસીકરણ પાછળ મનપા દ્વારા રૂપિયા ૧.૨ કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ કરી નાખવામાં આવ્યો છે. જો કે, આટલો મોટો આર્થિક બોજ તિજોરી પર પડ્યા છતાં શેરીઓમાં શ્વાનનો આતંક ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો.
એક જ વર્ષમાં 601 ફરિયાદો નોંધાઈ
મનપાના સત્તાવાર કંટ્રોલ રૂમના આંકડા તપાસતા માલૂમ પડ્યું છે કે, છેલ્લા એક વર્ષમાં કૂતરા કરડવા, રાત્રે વાહનચાલકો પાછળ દોડવા અને સોસાયટીઓમાં આતંક મચાવવા અંગેની ૬૦૧ ફરિયાદો નાગરિકો દ્વારા નોંધાવવામાં આવી છે. આ આંકડો માત્ર સત્તાવાર ચોપડે નોંધાયેલો છે, જ્યારે વાસ્તવિક સમસ્યા તેનાથી ઘણી મોટી છે. કૂતરાઓના કારણે અનેક ટૂ-વ્હીલર ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે અને બાળકો તેમજ વૃદ્ધોનું ઘરમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.
