રાજકોટ ખાણ-ખનીજ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોર્ડ દ્વારા વંથલી પંથકમાં મોડી રાત્રે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વંથલીની ઓઝત નદીમાં અંધારાનો લાભ લઈ ચાલતી ગેરકાયદે રેતી ચોરી પર દરોડા પાડીને તંત્રએ કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઓઝત નદીમાં ડ્રેજિંગ કરી થતી હતી ચોરી

તંત્રને બાતમી મળી હતી કે વંથલી પાસેથી પસાર થતી ઓઝત નદીના પટમાં કેટલાક ભૂમાફિયાઓ ડ્રેજિંગ મશીનો દ્વારા નદીના પેટાળમાંથી રેતીની ચોરી કરી રહ્યા છે. આ રેતી ચોરી માટે આધુનિક સાધનો અને હોડીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. રાત્રિના અંધકારમાં ચાલતા આ કાળા કારોબારને રોકવા માટે ફ્લાઇંગ સ્ક્વોર્ડે આયોજનબદ્ધ રીતે દરોડો પાડ્યો હતો.

રૂપિયા 1.26 કરોડનો મુદ્દામાલ જપ્ત

ખાણ-ખનીજ વિભાગની આ કાર્યવાહીમાં 8 બાજ (રેતી કાઢવા માટેના મશીન), 4 હોડી અને 2 મોટા ટ્રક. અંદાજે 2,000 મેટ્રિક ટન ગેરકાયદે રેતીનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા સાધનો અને રેતીની કુલ બજાર કિંમત આશરે રૂ. 1.26 કરોડ જેટલી થાય છે.

આ પણ વાંચો: Vadodara: સોખડા જિલ્લા પંચાયતના સદસ્ય 24 કલાક પહેલા ભાજપને ભાંડનારા કિરણ રાઠોડ ફરી ભાજપના શરણે