જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલનું કામ પૂરું થઈ ગયા બાદ હવે એક અઠવાડિયામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે એનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવશે.પુલના કામને કારણે છેલ્લા બે વર્ષથી લોકોને ટ્રાફિકને કારણે વેઠવી પડતી હાડમારીનો હવે અંત આવશે.74 કરોડના ખર્ચે બનેલા આ પુલની કામગીરીને કારણે દરરોજ સેંકડો વાહનચાલકો ભોમેશ્વરમાંથી કઢાયેલા સાંકડા ડાયવર્ઝનને લઈને ટ્રાફિકની હાડમારીથી પીડાઈ રહ્યા છે. તેથી પુલ બની ગયા બાદ તાત્કાલિક એને ખુલ્લો મૂકવા પણ લોકોમાંથી માગણી ઉઠવા લાગી છે.
મેયરે સ્થળ પર અધિકારીઓનો ઉધડો લીધો
હવે RMCમાં નવી બોડી ચૂંટાઈ આવ્યા બાદ પદાધિકારીઓની નિમણૂક પણ થઈ જતાં સાંઢિયા પુલ ખુલ્લો મુકાવાનો માર્ગ મોકળો બન્યો છે. શનિવારે મેયર સહિતના પદાધિકારીઓએ પુલની આકસ્મિક મુલાકાત લીધી હતી.તેમણે કમિશનર અને ઇજનેર વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી 202 મીટર લાંબા બ્રિજનું બંને તરફ ચાલીને નિરીક્ષણ કર્યું હતું.આ દરમિયાન રોડ અને બ્રિજની બંને સાઈડની દીવાલોનું સર્ફેસ લેવલ યોગ્ય ન જણાતા મેયરે સ્થળ પર અધિકારીઓનો ઉધડો લીધો હતો.અધિકારીએ બચાવમાં ખુલાસો કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે મેયરે બધું તાત્કાલિક યોગ્ય કરવા સૂચના આપી હતી.
