રાજકોટની પ્રતિષ્ઠિત મારવાડી યુનિવર્સિટી ખાતે હાલમાં 'સૌરાષ્ટ્ર-કચ્છ વાઇબ્રન્ટ સમિટ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં ઉદ્યોગો, ટેકનોલોજી અને ભવિષ્યના રોકાણોની ચર્ચા વચ્ચે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) નો સ્ટોલ મુલાકાતીઓ, ખાસ કરીને યુવાનોમાં ભારે આકર્ષણ જગાવી રહ્યો છે.
વડાપ્રધાનનું વિઝન અને એવિએશન સેક્ટરનો વિસ્તાર
સમિટ દરમિયાન એરપોર્ટ ઓથોરિટીના સ્ટોલની મુલાકાતે પહોંચેલા જનરલ મેનેજર સંદીપકુમાર ઝાએ 'સંદેશ ન્યૂઝ' સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના ઉડ્ડયન ક્ષેત્રમાં ક્રાંતિકારી ફેરફારો આવી રહ્યા છે. પીએમ મોદીના વિઝન મુજબ, આગામી સમયમાં દેશભરમાં 300થી વધુ નવા એરપોર્ટ નિર્માણ પામી રહ્યા છે. આ પહેલ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય 'સામાન્ય માનવી પણ હવાઈ મુસાફરી કરી શકે' તેવો છે.
યુવાનો માટે રોજગારીની વિપુલ તકો
સંદીપકુમાર ઝાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, એરપોર્ટની સંખ્યા વધવાની સાથે આ ક્ષેત્રમાં રોજગારીના નવા દ્વાર ખુલશે. એરપોર્ટ ઓથોરિટીના સ્ટોલ પર યુવાનોને નીચે મુજબના ક્ષેત્રોમાં રહેલી તકો વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.એરપોર્ટ સંચાલન, એર ટ્રાફિક કંટ્રોલ ગ્રાઉન્ડ, હેન્ડલિંગ અને સિક્યુરિટી,ટેકનિકલ અને મેઈન્ટેનન્સ સ્ટાફ.
યુવાનોમાં જોવા મળતો અનેરો ઉત્સાહ
મારવાડી યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત આ સમિટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકો ઉમટી પડ્યા છે. પીએમનું સપનું છે કે દેશના યુવાનો માટે રોજગારીની નવીન તકો ઊભી થાય, અને એરપોર્ટ ઓથોરિટીનો આ સ્ટોલ તે દિશામાં એક મહત્વનું માધ્યમ બની રહ્યો છે. સ્ટોલની મુલાકાત લેનારા યુવાનો એવિએશન સેક્ટરમાં પોતાની કારકિર્દી બનાવવા માટે ખૂબ જ ઉત્સુક જણાયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં બાયો-ટેક યુગનો પ્રારંભ, પેથાપુરમાં દેશની બીજી સૌથી મોટી હાઈ-ટેક લેબનું ભૂમિપૂજન